ભારત દેશ એ એક ખેતી પ્રધાન દેશ છે અને દેશના મોટા ભાગ ના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી ને આર્થિક રીતે પગભર બને છે. જો પશુપાલનના વ્યવસાયમાં પશુઓ માં થતા રોગોની યોગ્ય તકેદારી ન લેવામાં આવે તો તેનાથી ખેડૂતો ને બહુ જ આર્થિક નુકશાન ભોગવવું પડતું હોય છે. તો અહિયાં પશુઓ માં થતા પ્રાથમિક રોગો ની જાણકારી મેળવીશું. બેક્ટેરિયા થી થતા રોગો : ગળસુંઢો (એચ.એસ.) મુખ્યત્વે ગાય, ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે. લક્ષણો : ૧૦૫.૦ થી ૧૦૮.૦ ફેરનહીટ આસપાસ તાવ, મોઢામાંથી લાળ પડે, શ્વાસોચ્છવાસ વધે, ધબકારા વધે, ગળાના ભાગે સોજા આવે, ગળામાંથી અવાજ પણ થાય છે અને ૨૪ થી ૩૬ કલાકમાં પશુનું મૃત્યુ થઈ શકે . સાવચેતી :તાત્કાલિક પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવવી. ઉપાય : આ રોગના નિયંત્રણ માટે દર છ માસે તેનું રસીકરણ કરાવવું જોઈ. ચોમાસા પહેલા મેં-જુનમાં તથા ડિસેમ્બરમાં તેની રસી મુકાવી હિતાવહ છે. ગાંઠિયો તાવ (બી.કયુ.) મોટા ભાગે ડુંગરાળ પ્રદેશોમાં આ રોગ જોવા મળે છે. લક્ષણો : પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ બેચેન બની જાય, ચાલી ન શકે, થાપાના ભાગે ખરાબ વાસવાળું કાળું પ્રવાહી ભરાયેલું હોય, ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી ક્રીપીટેશન સાઉન્ડ (ફુગ્ગાનો ચચરાટી વાળો અવાજ) આવે. રોગની તીવ્રતામાં ૨૪ કલાકમાં પશુ મરણ પામી શકે છે. ઉપાય: ગાંઠીયો તાવ (બી.ક્યુ.)નું વેકસીનેશન ચોમાસા પહેલાં ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શક્યતાવાળા વિસ્તારમાં કરવું જોઈએ. કાળીયો તાવ (એન્થ્રેક્સ) આ રોગ અત્યંત ચેપી રોગ છે. જે ગાય, ભેંસ, ધેટાં, બકરામાં થતો રોગ છે. વાતાવરણમાં ફેરફાર કે બદલાવ આવે ત્યારે આ રોગ જોવા મળે છે. ખાસ કરીને નવેમ્બર થી જાન્યુઆરી દરમ્યાન ચરીયાણ દરમ્યાન પરીપક્વ- પાકું ઘાસ ખાતા તેના જડીયા મોઢામાં વાગે છે જેથી મોંમાં ઉઝરડા,ચાંદા પડે છે તે વાટે જંતુઓ શરીરમાં દાખલ થાય છે. આ જંતુઓ શરીરમાં કાતીલ ઝેર પેદા કરે છે. તેની અસર પામેલું પશુ બે થી ત્રણ કલાકમાં મૃત્યુ પામે છે. લક્ષણોઃ આ રોગ થતાં પશુ સૂનમૂન શાંત થઈ જાય છે. તો ક્યારેક ઉશ્કેરાટ અનુભવે છે. ૧૦૭.૦ ફેરનહીટ જેટલું શરીરનું તાપમાન જોવા મળે છે, શ્વાસ ઝડપી બને છે, આંખો લાલ થઈ જાય છે, શરીરના કુદરતી દ્વારમાંથી લોહીનો સ્ત્રાવ જોવા મળે છે. દૂધમાં એકાએક ઘટાડો જોવા મળે છે, દૂધમાં લાલાશ અથવા પીળાશ જોવા મળે છે, ક્યારેક ઝાડા થાય, જીભ તથા ગળામાં બંને પગના વચ્ચેના ભાગે કે યોનીભાગે સોજો આવે છે. ગાભણ પશુ તરવાઈ જાય કે મરણ પણ પામે છે. ઉપાય:આ રોગની રસી જૂન દરમ્યાન મુકાવવી જોઈએ. જ્યાં રોગ થયો હોય ત્યાં ત્રણ વર્ષ સુધી સતત રસીકરણ કરાવવું જોઈએ. એન્ટ્રોટોક્સેમિયા (માથાવટુ, આંત્ર વિષજવર) મુખ્યત્વે આ રોગ ધેટાં-બકરામાં થતો જોવા મળે છે. લક્ષણોઃ માથા, ચહેરા તથા ગરદનના ભાગે સોજા જોવા મળે છે, ઝાડા થાય છે. આંતરડાંમાં સોજો આવે છે. હાંફ ચડે, નબળું પડી જાય તથા ચકરી ખાઈને પડી જાય છે. ઉપાય: આ રોગ માટેનું રસીકરણ મે-જૂન માસ દરમ્યાન કરવામાં આવે છે. આવા રોગીષ્ટ ધેટાંઓ માટે પાણી તથા ઘાસચારાની અલાયદી વ્યવસ્થા કરવી. વાડાની સફાઈ કરવી તથા મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો, રોગીષ્ઠ ધેટાંને ચરીયાણ માટે લઈ જવા નહીં. બીજા ધેટાંથી અલાયદા રાખવા. વાયરસથી થતા રોગો : ખરવા-મોવાસા (એફ.એમ.ડી) ખરવાના ટૂંકા નામે ઓળખાતા આ રોગથી જાનવર મરતું નથી, પરંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. પશુની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. બળદની કામ કરવાની શક્તિ તેમજ ગાય-ભેંસની દૂધ ઉત્પાદનશક્તિ ધટે છે.લક્ષણોઃ પશુને તાવ ચડે છે. મોઢામાંથી ખૂબ લાળ પડે છે. જીભ, તાળવા તથા મોઢામાંઢ હોઠના અંદરના ભાગે ફોલ્લાં પડે છે, જે ફૂટતાં ચાંદા પડે છે. પગની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડે છે. દૂધાળા પશુનું દૂધ ૨૫ થી ૬૦ ટકા સુધી ઘટી જાય છે. ઉપાય: આ રોગના નિયંત્રણ માટે જુન-જુલાઈ માસમાં અને નવેમ્બર-ડિસેમ્બરમાં રસી મુકાવી જોઈએ. આ રોગના જંતુઓનો નાશ કરવા માટે સોડિયમ હાઈડ્રોક્સાઈડ, સોડિયમ કાર્બોનેટ તથા સાઈટ્રીક એસિડ જેવા રસાયણ ઉપયોગમાં લેવા જોઈએ. રોગીષ્ટ પશુને અલગ બાંધવા, મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો તથા વાડાની જંતુનાશક દવાથી સફાઈ રાખવી ઉપરાંત તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા અલાયદી રાખવી.પશુના મોં તથા પગની ખરી પોટેશીયમ પરમેગેનેટના દ્રાવણથી સાફ કરવી. એક્રેલીન અથવા હિમેકસ મલમ કે ટરપેન્ટાઈન તેલથી ડ્રેસીંગ કરવું જોઈએ. રોગીષ્ટ પશુઓની અવરજવર નિયંત્રિત કરવી જેથી રોગચાળો ફેલાતો અટકે છે. પી.પી. આર. મોટે ભાગે ધેટાં બકરામાં થતો આ રોગ ગંભીર તો છે જ, પરંતુ સર્વ સામાન્ય પણ છે. લક્ષણોઃ આંખ અને નાકમાંથી પ્રવાહી ઝરે, મોઢામાં ચાંદા પડે, દુર્ગંધ મારતા ઝાડા થાય, ત્યારે તાવ આવે ધેટું એકદમ સુસ્ત થઈ જાય, મરણ પણ પામે, ગાભણ ધેટી તરવાઈ જાય. ઉપાય: પી.પી.ના દ્રાવણથી મોઢું ધોવું સામાન્ય રોગો આંતરપરોપજીવી કૃમીથી થતા રોગો પશુના શરીરમાં આંતરપરોપજીવી એવા કૃમિની હાજરીની પશુસ્વાસ્થ્ય પર અસર પડયા વિના રહેતી નથી. શિયાળાની શરૂઆતમાં આ રોગ દરેક પશુઓમાં વધુ જોવા મળે છે. કૃમિએ પશુધનનો છુપો શત્રુ છે જે પશુઓને ધીમે ધીમે નાશ તરફ લઈ જાય છે. ગોળકૃમિ, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ, રજ્જુકૃમિ અને નાના કરમીયાં જેવા વિવિધ પ્રકારના કૃમિ વિવિધ પ્રકારના પશુના શરીરમાં પાંગરે છે. લક્ષણોઃપશુને પેટમાં ચૂંક આવે, વિકાસ રૂંધાય, પાચનશક્તિ નબળી પડે, પાતળા, ચીકણા, દુર્ગંધ મારતા કાળાશ પડતા ઝાડા થાય, લોહી પાતળું થાય, શરીર ફીક્કું પડે,જડબા નીચે પ્રવાહી ભરાય, વજન ઘટી જાય,દૂધ ઉત્પાદનશક્તિ ઘટી જાય. ઉપાય: ચોમાસા પહેલાં તથા શિયાળાની શરૂઆત દરમ્યાન નદી, તળાવ કિનારાનું ઘાસ ઢોરને ચરવા દેવું નહીં. આ ઉપરાંત, 1. બચ્ચાને પ્રથમ દશ દિવસે, ત્રણ માસ, છ માસ તથા બાર માસની ઉંમરે દવા પીવડાવવી. 2. પશુઓને દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી કૃમિનાશક દવા પીવડાવવી. 3. કૃમિનાશક દવાનો ઉપયોગ પશુ ચિકિત્સા અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવો. આફરો લીલોચારો (રજકો) ખાધા બાદ આફરો એકાએક ચડે છે. લક્ષણોઃ ડાબુ પડખું અથવા પેટનો આખો ભાગ ફુલી જાય છે. પશુ અવારનવાર ઊઠબેસ કરે છે, પાછલા પગથી પેટ પર લાત મારવાનો પ્રયત્ન કરે છે. અનેક વખત જીભ બહાર નીકળી જાય છે, શ્વાસોચ્છવાસની ગતિ વધારે હોવાથી મોં ખુલ્લું રાખીને શ્વાસ લે છે. આવામાં પશુનું મૃત્યુ પણ થાય છે. ઉપાય :૫૦૦ ગ્રામથી એક કીલોગ્રામ મીઠું તેલ પીવડાવવું. તેલમાં ૨૦ થી ૩૦ ML ટરપેન્ટાઈન ઓઈલ નાખવું. વિલાયતી મીઠું ૪૦૦ થી ૫૦૦ ગ્રામ પાણીમાં ગાળીને પાવું, જેથી જુલાબ થશે અને પશુને રાહત થશે. સાઈમેથીકોન જેવી દવાઓ પીવડાવવાથી ફીણ અને પરપોટાનો નાશ થતાં પેટમાં ભરાયેલો વાયુ છૂટો પડશે. આહારમાં પ્રોટીન સાથે રેસાવાળો ચારો યોગ્ય પ્રમાણમાં આપવો. આઉનો રોગ (મસ્ટાઈટીસ) આ રોગ જીવાણુઓ દ્વારા ગાયળભેસના બાવલામાં ઉત્પન્ન કરી સોજો લાવે છે. આ જીવાણુઓ દુધમાં પણ બહાર નીકળે છે અને ત્યાં વૃદ્ધિ પામી દુધની ગુણવત્તા ઘટાડે છે. કહેવાય છે કે મસ્ટાઈટીસનો રોગ થવા માટે માણસ જ જવાબદાર છે. આંચળ તથા આઉના સંસર્ગમાં કોઈપણ જાતનાં જીવાણું આવે અને તેને અનુકૂળ વાતાવરણ મળતાં દૂધ ગ્રંથિઓમાં સોજો આવે છે. આંચળ પરની ઇજા, રહેઠાણની ગંદકી, લાંબી અને લટકતી દૂધગ્રંથિમાં અંગુઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત,દૂધ દોહનારના હાથની અસ્વચ્છતા તથા પશુની નબળી રોગ પ્રતિકારક શક્તિ જવાબદાર છે. લક્ષણોઃ દૂધને બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી કે પરૂ નીકળે, કોઈવાર લોહી પણ પડે, આંચળ અને આઉ કઠણ થઈ જાય, દૂધમાં ગઠ્ઠાઓ પડે, શરીરનું તાપમાન ઊંચું રહે, આઉ-આંચળ ઠંડા થઈ જાય વગેરે ચિન્હો જોવા મળે છે. આંચળમાં દવા ચડાવવાની સાથે સાથે અંતઃસ્નાયુમાં દવા ચડાવવાથી સારૂં પરિણામ મેળવી શકાય છે. ઉપાય: આંચળને દોહતાં પહેલાં છાણ-માટી સાફ કરવા, દૂધ દોહવામાં નિપુણતા કેળવવી એટલે કે સાચી પદ્ધતિથી જ દૂધ દોહન કરવું. રોગવાળા જાનવરને છેલ્લે દોહવું અને તેનું દૂધ વપરાશમાં લેવું નહીં, દૂધ દોહવા મશીનનો ઉપયોગ કરવો હોય તો મશીન વ્યવસ્થિત સાફ કરવું. આંચળ અને આઉને મંદ જંતુનાશક દવા વડે સાફ કરી, સ્વચ્છ કપડાં વડે લૂછી પછી જ દૂધ દોહવું. દૂધ દોહન બાદ આંચળને જીવાણુંનાશક દ્રાવણમાં બોળવા. ચયાપચયના રોગો : દુધિયો તાવ (સુવા રોગ, મિલ્ક ફીવર): વિયાણ પહેલાં ખાસ કરીને છેલ્લા મહિનાથી ૧૫ દિવસમાં જ્યારે ખોરાક કે શક્તિની દવા સ્વરૂપે પશુપાલક પશુને વધારાનું કેલ્શીયમ આપે છે, જેથી પેરાથાઈરોઈડ ગ્રંથિ નિષ્ક્રીય થઈ જતાં વિયાણ સમયે કેલ્શીયમનું લોહીમાં સ્થાનાંતરણ થતાં સમય લાગે છે. જેથી આ ગાળા દરમ્યાન કેલ્શીયમનું પ્રમાણ ઝડપથી નીચું જતાં પશુ સુવારોગનો ભોગ બને છે. સુવારોગ ન થાય તે માટે પશુપાલકે વિયાણ પહેલાં વધારાનું કેલ્શીયમ ન આપવું. જે વિયાણ પછી આપી શકાય છે. પશુપાલકો જ્યારે પશુમાંથી બધું જ દૂધ ખેંચી લે ત્યારે પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે. લક્ષણોઃ વિયાણ પછી ૨૪ થી ૭૨ કલાકની અંદર પશુ ઠંડું પડી જાય, ધ્રુજારી અનુભવે, કબજીયાત થાય, એકદમ ખાવાનું કે વાગોળવાનું બંધ કરી દે, જાનવર બેસી જાય કે આડું પડી જાય. ઉપાય: ઘાસની પથારી કરવી, દર કલાકે પડખું ફેરવવું જેથી તેના સ્નાયુ જકડાઈ ન જાય. આ રોગના ઉપચારમાં નસમાં, ચામડી નીચે અને મોઢેથી કેલ્શીયમ આપવું તથા ૫૦ ગ્રામ વિલાયતી મીઠું પણ આપી શકાય. કીટોસિસ વાગોળતાં અને ઊંચું દૂધ ઉત્પાદન આપતાં પશુઓ કાર્બોદિત પદાર્થોના ચયાપચયની ખામીને કારણે શર્કરાની ખામી ઊભી થાય છે જેને લીધે આ રોગ થાય છે. વિયાણ બાદ એક કે બે માસ દરમ્યાન આ રોગ થાય છે. લક્ષણોઃ પશુ ઝડપથી વજન ગુમાવે છે. દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. ક્યારેક પશુ ગોળ ગોળ ફરે છે, આંધળું થયું હોય તેમ વર્તે છે. ક્યારેક ખાણ ખાવાનું છોડી દે છે, રોગની મંદ અવસ્થા એ કોઈ ચિન્હો બતાવતું નથી. પરંતુ દૂધ ઉત્પાદનમાં ધીમો પણ દૈનિક ૧ થી દોઢ લીટર જેટલો ઘટાડો જોવા મળે છે. ઉપાય: સર્વ સામાન્ય દવા તરીકે ગોળની રસી પીવડાવી શકાય સ્ત્રોત ડો.જે.વી. પટેલ