ઉન્નત લવારાપાલન પધ્ધતિ પ્રસ્તાવના જન્મ પછી બકરાના લવારા માંદગીથી મોટા પ્રમાણમાં મરણ પામે છે, તેને અટકાવવા નીચેની ઉન્નત લવારા પાલન પધ્ધતિ અપનાવવી જોઈએ. નાના લવારા માટે બુખારી નવજાત અને નાના લવારા ઠંડીથી મરણ પામે છે. તેને હુંફ આપવા માટે વિજળી બલ્બ લગાવેલ લાકડાની બનાવેલ ખાસ બુખારીમાં રાત્રે રાખવા. જેથી ઠંડીને લીધે થતા મરણ અટકશે. આ બુખારીનુ નિર્માણ અત્રે આર.બી.આર.યુ ધ્વારા કરવામાં આવેલ છે. આ કેબીનના તળીયામાં લાકડાની પટ્ટીઓ ચોકકસ અંતરે નાંખવામાં આવેલ છે. જેથી પેશાબ અને લીંડીઓ નીચે પડી જાય અને ગંદકી અને ભીનાશ થતી અટકે. આમાં મોટી બકરીઓ પ્રવેશ કરી શકતી નથી. આ સ્થાનિક રીતે બનાવી શકાય છે. વિયાણ પાંજરાનો ઉપયોગ મોટા ધણમાં બચ્ચાઓ માતાને ઓળખી શકતા નથી તેથી ભૂખ્યા રહેવાથી મૃત્યુ પામે છે. વિયાયેલ બકરી અને તેના લવારાને ’કીડીંગ કેઈજ’ (વિયાણ ઘર) માં રાખવા. જો શકય ન હોય તો માતા તથા બચ્ચાના પેટ ઉપર ઓળખ નંબર લખી શકાય, જેથી કામદારો ને બચ્ચા ધવરાવવામાં સરળતા રહેશે અને ભૂખમરાથી થતુ મૃત્યુ અટકશે. કોરુ અને સ્વચ્છ ભોંયતળીયું ભીના અને ગંદા ભોંયતળીયા માંદગીને નોતરે છે. બકરાવાડાનુ ભોંયતળીયુ ચોમાસા તથા શિયાળાની ઋતુમાં વાતાવરણના ભેજને લીધે તથા પેશાબથી ભીનુ રહે છે તથા જલદી સુકાતું નથી. તેથી લવારાઓને શરદી, ન્યુમોનીયા, ઝાડા થવાથી માંદા પડી મરણ પામે છે. તેના ઉપાય માટે બકરા વાડાની નિયમિત સફાઈ કરવી તથા સૂકી માટી પાથરવી જેથી ભોંયતળીયુ કોરુ રહેશે અને નાના લવારામાં માંદગી તથા મૃત્યુદર ઘટશે. ઉછરતા લવારા માટે પૂરક આહાર બચ્ચાને ધાવણ ઓછુ પડતુ હોય તો તેને રાબ - મકાઈનો ભરડો બાફી તેમાં ગોળ, તેલ, મીનરલ મિક્ષર, મીઠુ વિગેરે નાખી પીવરાવી શકાય. લવારાની વૃધ્ધિ માટે પૂરક આહાર તરીકે આ આદર્શ ખોરાક છે. ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણ / બકરા પાલકો માટે "ઉનાળાની ઋતુમાં બકરા પાલકોને તેઓના બકરા દિવસ દરમ્યાન ગ્રીન નેટ અથવા એસ્બેસ્ટોસ શીટ વાળા છાપરા નીચે નહીં રાખતા, ઝાડના છાંયડા નીચે રાખવા માટે ભલામણ કરવામાં આવે છે." કૃષિલક્ષી પ્રકાશનો : બકરા પાલન વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો સ્ત્રોત : આણંદ કૃષિ યુનીવર્સીટી