બકરીના દૂધમાંથી ના કણો ગાય-ભેંસ કરતા નાના હોવાથી તે પચવામાં સરળતા રહે છે. બીજા પ્રાણીઓના દૂધ કરતાં બકરીનું દૂધ ખાવાથી એલર્જીનું પ્રમાણ ઓછુ રહે છે. બકરીને પાનો મૂકવાનો પ્રશ્ન નડતો નથી. તેથી દિવસમાં ગમે તેટલા વખત જરૂરિયાતમુજબ દોહી શકાય છે અને દૂધના સંગ્રહના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા નથી. બકરીથી પ્રતિ વર્ષા એક કિવન્ટલ જેટલું ગોબર મળે છે, જે ગાય-ભેંસના ગોબર કરતા એન.પી. કે. વધારે ધરાવે છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે તેમજ જમીનનો આમ્લતા આંકઘટાડે છે. બકરાપાલન કરવામાં શરૂઆતમાં વધારે પડતી મૂડીનું રોકાણ કરવું પડતું નથી. બકરા કદમાં નાના હોઇ રાખવા માટે ઘણી જ ઓછી જગ્યાની જરૂરિયાત રહે છે. જો થોડી સંખ્યામાં બકરાનું ટોળું રાખવામાં આવે તો ઘરની સ્ત્રીઓ તેમજ બાળકો પણ બકરીના ટોળાની ઘાસચારા તેમજ સાર-સંભાળ રાખી શકે છે, જેથી માવજત પણ સહેલાઇથી થઇ શકે છે. બકરાપાલનમાં બકરા તેમજ બકરીની સમાન કિંમત હોય છે. જ દુષ્કાળના સમયમાં બીજા જાનવરો કરતાં બકરા અછતમાં પણ ટકી રહેતા હોઇ રાખવા સહેલા પડે છે. બકરાની ઉપયોગિતા ઘણીવાર ઘેટાંના ટોળામાં આગેવાન તરીકે પણ થાય છે. બકરીનો ગર્ભધારણ સમય ૧૫૧ દિવસ જ હોય છે અને વિચાણ વખતે બે બચ્ચાંને જન્મ આપે જ છે. કેટલીકવાર ત્રણ-ચાર બચ્ચાને જન્મ પણ આપે છે. બકરાપાલન માણસની જાતે ઘણી જ રીતે ઉપયોગી છે. જેમ કે, માંસ, ચામડું, દૂધ, ખાતર અને વાળ પણ ઉપયોગમાં આવે છે. જેથી “બકરીને ગરીબની ગાય” તરીકે યોગ્ય રીતે જ ગણવામાં આવે છે. બીજા જાનવરોની સરખામણીમાં બકરી ખરીદવા માટે મોટી કિંમત આપવી પડતી નથી. તેથી મોટું રોકાણ કરવાની પણ જરૂરિયાત રહેતી નથી. બકરાં અને એવા પ્રાણીઓ છે કે જેઓ ઠંડી, ગરમી તેમજ ઓછા વરસાદમાં પણ ટકી શકેછે. તે ખોરાકની શોધમાંઘણા લાંબા અંતર સુધી જઈ શકે છે અને તે ગાયભેંસને ખાતાં વધેલ ઓગાડ ઉપર તેમજ ઝાડના પાંદડા-પાલા પર પણ નભી શકે છે. આમ, ઉપરોકત તમામ બાબતો જોતાં ખેતમજૂરો કે અન્ય છૂટક ધંધો કરતા માણસો ફાજલ સમયમાં મોટા રોકાણ વગર નાના પાયે બકરાં પાલનનો ધંધો કરી શકે છે. આમ, અત્યારે હાલમાં ગામડાઓમાં બેકારીનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહેલ છે ત્યારે જો બકરાપાલન વ્યવસાય સીધી કે આડકતરી રીતે કરવામાં આવે તો બેકારી નિવારણ તેમજ દૂધની જરૂરિયાત પૂરી પાડવામાં થોડા ઘણાં અંશે આપણે સફળ થઇ શકીએ છીએ. સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ