જીવામૃત બનાવવાની પધ્ધતિ ર૦૦ લીટર પાણી +૧૦ લીટર ગૌમૂત્ર +૧૦ કી.ગ્રા. છાણ +૧ મુઠી વડ નીચેની માટી/ શેઢા-પાળાની માટી / રાફડાની માટી +૧ કી.ગ્રા. દેશી ગોળ +૧ કી.ગ્રા. ચણાનો લોટ- આ મિશ્રણ બેરલમાં નાખી લાંબી લાકડીથી ઘડીયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ એમ કુલ ર વખત ૧-૧ મિનિટ માટે ૭ દિવસ સુધી હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો. કયાં પાકમાં આપી શકાય :કોઈપણ પ્રકારની ઔષધીય , ધાન્ય, કઠોળ, બાગાયતી કે અન્ય કોઈ પણ વર્ગના પાકને આપી શકાય. આપવાની રીત: નીચેની ત્રણમાંથી કોઈપણ(૧) પિયત (સિંચાઈ) ના પાણી સાથે (ર) મુખ્ય પાકની બે હાર વચ્ચે સીધું જમીન ઉપર(૩) ઉભા પાક પર છંટકાવ કરીને પ્રમાણપ્રતિ એકર ર૦૦ થી ૪૦૦ લીટર જીવામૃત મહીનામાં ૧ થી ર વખત ઉપરોકત ત્રણ પૈકી કોઈપણ રીત દવારા પાકને આપવું. ફાયદા જીવામૃત જમીનમાં આપવાથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા, હયુમસનું નિર્માણ ઝડપી બને છે જેના થકી બિનઉપયોગી સ્વરૂપમાં રહેલાં તત્વો ઉપયોગી સ્વરૂપમાં ફેરવાય જતા મૂળનો વિકાસ ખૂબ જ ઝડપી બને છે. જીવામૃત સુષુપ્ત (સમાધિમાં) રહેલા અળસીયાને જગાડીને કામે લગાવે છે. નોંધ જીવામૃત માટે ફુવારા પધ્ધતિ સૌથી ઉતમ છે. કારણ કે ફુવારાના પાણી દવારા જીવામૃતનો છંટકાવ થાય છે અને વધેલું જીવામૃત જમીનમાં ભળી જાય છે. જયારે દિવસનું તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સીયસ કે તેનાથી વધારે હોય તો જીવામૃત બપોરના બદલે સવારે કે સાંજે આપવું. જીવામૃત ભરેલા બેરલ પર વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ. સાત દિવસ સડયા બાદ ૧પ દિવસ સુધી વાપરી શકાય. ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ પ્રથમ રીત ર૦૦ કી.ગ્રા. સખત તાપમાં સુકવેલ, ચાળણીથી ચાળેલ ગાયનું છાણ લઈ તેમને ફેલાવવું. તેના ઉપર છાણથી દસ ગણા જીવામૃતનો છંટકાવ કરીને બરોબર રીતે ભેળવવું આ મિશ્રણને ૪૮ કલાક માટે છાયામાં રાખી ત્યારબાદ પાતડા સ્તરમાં સુકવવું. આ સ્તરને દિવસમાં બે-ત્રણ વખત ઉપર નીચે કરવું.- સંપૂર્ણ સુકાય જાય ત્યારે ગાગડાનો ભુકો કરવો. ત્યારબાદ શણના કોથળામાં ભરી, જમીનથી ઉપર, લાકડાના મેડા ઉપર રાખવું. બીજી રીત ૧૦૦ કીગ્રા ગાયનું છાણ + ર લીટર જીવામૃત +૧ કીગ્રા દેશી ગોળ +૧ કીગ્રા ચણાનો લોટ . આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર નીચે ફેરવવું. મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો . પ્રથમ રીત મુજબ સંગ્રહ કરવો. ત્રીજી રીત ગોબર ગેસમાં છેલ્લે નીકળેલા રગડા (સ્લરી) ને તડકામાં સુકવવો. ૧૦૦ કીગ્રા રગડો (સ્લરી) પાવડરના રૂપમાં + પ૦ કીગ્રા દેશી ગાયનું છાણ + ૧ કીગ્રા દેશી ગોળ + ૧ કીગ્રા ચણાનો લોટ + ર લીટર જીવામૃત .- આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર-નીચે ફેરવવું. સંપૂર્ણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો. જરૂરીયાત મુજબ અગાઉ પ્રમાણે સંગ્રહ કરવો. કયારે અને કેવી રીતે આપી શકાય : જમીનની અંતિમ ખેડ પછી કે પહેલાં પ્રતિ એકર ર૦૦ કીગ્રા ઉડાડવું. રાસાયણીક ખાતરની જેમ વાવણી વખતે પણ આપી શકાય. ફુલની અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કીગ્રા આપવું નોંધ વધુ પડતી ઠંડી હોયતો સંગ્રહ કરતી વખતે કોથળાથી ઢાંકવું વધુ પડતો સૂર્ય પ્રકાશ કે ઠંડી કે વરસાદનું પાણી ન પડવું જોઈએ. ત્રણેય પ્રકારના ઘન જીવામૃત એક વર્ષ સુધી ઉપયોગ કરવા લાયક હોય છે. તેનાથી જમીનની ભેજ સંગ્રહ શકિત વધે છે સ્ત્રોત: નેચરલ ફાર્મિંગ